24/11/2022
કોલમ : ‘જાગતે રહો’
કોલમિસ્ટ. : ડો.ચિંતન વૈષ્ણવ
લેખ તારીખ : 20-11-2022.
શબ્દો : 1071.
➖➖➖➖➖➖➖➖➖➖➖
☝️ વિધાનસભા ચૂંટણીમાં કોને મત આપવો ?
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️વિધાનસભા ચુંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે. મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો માત્ર બાકી છે. આચારસંહિતા આપણને દરેકને ઓછે વત્તે અંશે લાગુ પડે છે. આથી આજના લેખમાં કેટલીક બાબતો સ્પષ્ટ લખી નહીં શકું. પરંતુ મતદાન કરતી વખતે કોને મત આપવો એ બાબતે સમજદાર વાંચકોને માટે ઈશારો જ કાફી રહેશે.
▪️આ વખતે રાજકારણનું એકદમ વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. લગભગ તમામ ઉમેદવારો પોતાના સ્વાર્થ ખાતર ઉમેદવારી નોંધાવતા હોવાનું ધ્યાને આવે છે. પબ્લિકની કે સમાજની સેવા કરવાના હેતુથી રાજકારણમાં આવવા ઈચ્છતો અને ચુંટણી લડવા માંગતો વર્ગ દૂર દૂર સુધી નજરે ચડતો નથી. કેટલાક ઉમેદવારો એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદાકુદ કરતાં જોવા મળે છે. જે પક્ષમાં પોતાને મહત્વ મળે અને સારી ઓફર મળે ત્યાં જતાં રહે છે.
સવાલ એ થાય છે કે આપણે કોને મત આપવો ? કઈ પાર્ટી આપણા ભવિષ્ય માટે સારી ? કયો ઉમેદવાર આપણા માટે ઉત્તમ્ ? મારી પાસે આ પ્રશ્નોના શ્રેષ્ઠ ઉત્તર છે.
▪️સામાન્ય રીતે જે ઉમેદવાર પોતાના બોલ્યા પર કાયમ રહેતો નથી એ ઉમેદવારને મત આપવો જોઈએ નહીં. જે ઉમેદવાર કોઈના હાથની કઠપૂતળી હોય તેને પણ પસંદ કરાય નહીં. પોતાના સ્વાર્થ માટે લાખો કરોડોમાં વેંચાઈ જાય એવા ઉમેદવારને કે આવું ખરીદ વેંચાણ શરૂ કરીને લોકશાહીનું આયુષ્ય ટૂંકું કરનાર પક્ષને ક્યારેય મતદાન કરવું જોઈએ નહીં. જ્ઞાતિ-જાતિ, ખોટા વચનો, પક્ષના વડા, વડાના ફાંકા થી ભરમાવું જોઈએ નહીં.
▪️હકીકતે એકદમ ગ્રાઉન્ડ લેવલ પર રહીને કામ કરનારા ચોખ્ખી ઇમેજ ધરાવતા અને ખરા અર્થમાં વિકાસના કામો કરવા માટે ચુંટણીમાં ઉભેલો ભણેલ ગણેલ ઉમેદવાર શ્રેષ્ઠ ઉમેદવાર છે. હાલમાં લોકો જે-તે પક્ષના રાષ્ટ્રીય કક્ષાના આગેવાનને જોઈને લોકલ ઉમેદવારને મત આપી આવે છે. પરિણામે બને છે એવું કે જે-તે રાજકીય પક્ષ પોતાના રાષ્ટ્રીય કક્ષાના મજબૂત નેતાની ઇમેજને જોરે લોકલ લેવલે વિધાનસભા ચૂંટણીમાં નબળો, નાલાયક અને જે ચૂંટાયા પછી પોતે કરવાની કામગીરી કે ફરજોથી જ વાકેફ નથી તેવા ઉમેદવારને ટિકિટ આપી ચૂંટણીમાં ઊભો રાખે છે. ભોળા અને હકીકતથી અજ્ઞાત એવા મતદારો આંખ બંધ કરીને રાષ્ટ્રીય નેતાને યાદ કરીને આવા બિલકુલ નકામા ઉમેદવારને મતનું દાન કરી આવે છે. જેનું પરિણામ પછીના પાંચ વર્ષ સુધી આખો મતવિસ્તાર ભોગવે છે.
▪️યાદ રાખજો મિત્રો કે વિધાનસભા ચૂંટણીમાં આપણે પક્ષનું નિશાન જોઈને નહીં પરંતુ ઉમેદવારની આવડત અને પાત્રતા જોઈને મત આપવાનો છે. અમદાવાદમા રિવર ફ્રન્ટનો વિકાસ જોઈને કે પછી ગિરનાર પર રોપ-વે ની વ્યવસ્થા જોઈને આપણે મતદાન નથી કરવાનું. વિપક્ષ દ્વારા પેટ્રોલના ભાવ વિષે જનતાની કરવામાં આવતી ઉશ્કેરણીઓને મગજમાં લઈને પણ આપણે આ વખતે મતદાન નથી કરવાનું. મોંઘવારી, વધતો જતો ક્રાઇમ રેશિયો, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પબ્લિકના પૈસાનું કરવામાં આવેલ પાણી, હજાર રૂપિયાનો અમાનુષી દંડ, સરકારી અવ્યવસ્થાના અભાવે કોરોનામાં ગુમાવેલા સ્વજનો વગેરે બાબતો મગજમાં રાખીને વાદળી બટન દબાવવાનો સમય હવે આવી ગયો છે.
▪️મતદાનના દિવસે માત્ર 10 મિનિટનો સમય કાઢીને યોગ્ય લીડરને પસંદ કરવા જવું જ જોઈએ. જો તમે મતદાન કરવા નહીં જાવ તો તમારા નામે બીજો વ્યક્તિ બોગસ મતદાન કરી આવશે. આજે કેટલાય લોકોને વિવિધ મુદ્દે ફરિયાદો કરતાં સાંભળીએ છીએ. એમને પૂછવામાં આવે કે તમે ગત ચૂંટણીઓમાં કોને મત આપેલો ? તો જવાબ એવો મળે કે, “બધા જ ઉમેદવારો નાલાયક હતા એટ્લે હું મત આપવા જ નથી ગયો.” આ વખતની ચુંટણીમાં આવી ભૂલ કરશો નહીં. મત આપવા નથી ગયો એ વ્યક્તિને ફરિયાદ કરવાનો કોઈ જ હક નથી. તમારા એક મતનું મૂલ્ય તમારે સમજવું પડશે.
▪️આપણો મત બિકાઉ હોવો જોઈએ નહીં. ભજીયા પાર્ટી કરનાર, દેશી કે વિદેશી પીણાની ઓફર કરનાર કે નાણાકીય લાલચ આપનાર કે ધર્મના નામે વૈમનસ્ય ઊભું કરનાર ઉમેદવારને ક્યારેય મત આપવો જોઈએ નહીં. આવા લોકોએ રાજકારણને એક ધંધો બનાવી દીધો છે. પહેલા લાખો રૂપિયા ખર્ચીને મત ખરીદે અને પછી આવનારા પાંચ વર્ષોમાં વિકાસના નામે વાતો કરીને કરોડો કમાય. પોતાના સ્વાર્થ માટે એક પક્ષમાથી રાજીનામું આપીને બીજા પક્ષમાં વેંચાય જાય. આવા પક્ષપલટો કરનાર ઉમેદવારો ક્યારેય લોકહિતના કર્યો કરી શકવા સક્ષમ હોતા નથી. તેઓ માત્ર પોતાના અંગત હિતાર્થે જ કાર્યરત હોય છે.
▪️‘નોટા’ બાબતે સ્પષ્ટતા કરતાં ખાસ જણાવવાનું કે, ‘નોટા’ એટ્લે ક્રિકેટની ભાષામાં ‘હિટ વિકેટ’. રમવાની અણઅવડતના કારણે જ્યારે પોતાનું જ બેટ સ્ટમ્પમાં અથડાઇ જાય તો એ બેટ્સમેન આઉટ જાહેર થાય છે. કઈક આવું જ ‘નોટા’ માં પણ છે. જ્યારે તમે ‘નોટા’ ને પસંદ કરીને આવો છો ત્યારે તમે તમારો કિંમતિ સમય અને અમૂલ્ય મત બંને બગાડો છો. ‘નોટા’ વિકલ્પ પસંદ કરવાને બદલે પક્ષનું પાટિયું જોયા વગર ઇલેકશનમાં ઉભેલા ઉમેદવારો પૈકીના સૌથી સારા અથવા ઓછા ખરાબ ઉમેદવારને મત આપવો જોઈએ. અથવા તો કોઈ નવા ઉમેદવારને તક આપવી જોઈએ. નોટા ને બદલે અપક્ષ ઉમેદવારને મત આપી શકાય. જેથી તમે કોઈ પક્ષને પસંદ કરતાં નથી એ દર્શાવી શકાય. પરંતુ એટલો ખ્યાલ ચોક્કસ રાખીશું કે વિરોધી ઉમેદવારના મત કાપવા જાણી જોઈને ઊભા રાખેલ અપક્ષ ઉમેદવારને આપેલો તમારો કિંમતી મત નિષ્ફળ જઇ શકે છે.
▪️મને બરાબર યાદ છે કે, હું વર્ષ 2016 માં જ્યારે બાબરા મામલતદાર હતો ત્યારે લગભગ 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાયેલી. મારી સમગ્ર ટીમે તેમજ ખાસ કરીને બાબરા તાલુકાનાં શિક્ષકોએ ઈલેકશન મેનેજમેન્ટની જબરદસ્ત કામગીરી કરી બતાવેલ. કાઉન્ટિંગ સમયે મે જોયેલું એક દ્રશ્ય મને આજે પણ નજર સમક્ષ દેખાય છે. એક પછી એક ગામના પરિણામો જાહેર થઈ રહ્યા હતા. મેઇન ગેટની બહાર હકડેઠઠ જનમેદની ભેગી થઈ હતી.
▪️અહીના એક ગામના સરપંચના પદ માટે 2 તગડા ઉમેદવારો વચ્ચે બરોબરનો જંગ જામ્યો હતો. મતગણતરીના અંતે માત્ર 4 મતના તફાવતથી એક ઉમેદવાર વિજેતા બને છે. બહાર ઊભેલી પબ્લિકમાં તે ગામના લોકો માઈકમાં આ જાહેરાત સાંભળે છે અને નાચવા લાગે છે. હું બરોબર ત્યારે મેઇન ગેટ પાસે જ ઊભો હતો અને મે જોયું કે સરપંચ પદ તરીકે જીતેલા ઉમેદવારને પોતાના ખભે બેસાડીને હારેલા ઉમેદવાર નાચી રહ્યા હતા. મને ખરેખર આ દ્રશ્ય જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું હતું. મે આ દ્રશ્યને મારા મોબાઇલના કેમેરામાં કંડારી લીધું.
▪️થોડા દિવસો બાદ એ હારેલા ઉમેદવારને મે મારી ઓફિસમા જોયા. તેઓ કોઈ કામ સબબ આવેલા હતા. મે એમને મારી ચેમ્બરમાં બોલાવ્યા. મે એમને પુછ્યું કે, “મે તમને ચૂંટણી પરિણામના દિવસે નાચતા જોયેલા હતા. મને એ કહો કે તમે હારી ગયા હતા છ્ત્તા શા માટે તમારા વિરોધી ઉમેદવારને તેડીને નાચતા હતા?” તો મને એ વડીલે જે કહ્યું એ સાંભળીને હું ગદગદ થઈ ગયો. એમણે કહ્યું કે, “હાર-જીત અને અંગત અહંકાર કરતાં મહત્વનો છે ગામનો વિકાસ. પરિણામ આવ્યા બાદ એ અમારા ગામના સરપંચ તરીકે નક્કી થઈ ગયા અને એક ગ્રામજન તરીકે એમની જીતની ખુશીમાં હું સામેલ થયો. અમારા ગામના વિકાસ માટે અમે બધા કટિબદ્ધ છીએ. સરપંચ હું બનું કે કોઈ બીજો બને, એનાથી ખાસ કઈ ફેર પડતો નથી. હવે પછીના 5 વર્ષ માટે અમારા ગામના સરપંચને દરેક કાર્યમાં અમારો સહકાર રહેશે.”
▪️મારી પાસે આજે પણ જીતેલા ઉમેદવારને ખભે તેડીને નાચી રહેલા એ વડીલનો ફોટોગ્રાફ્સ સાચવેલો છે. કહેવાનો મતલબ એટલો જ છે કે આ સત્ય ઘટના પરથી દરેક વિસ્તારના લોકોએ માત્ર પોતાના વિસ્તારના વિકાસ અંગે વિચારીને જ મત આપવાનો છે. આપણે પક્ષ નહીં પરંતુ માત્ર ઉમેદવાર જોવાનો છે. અમૂક સમયે પરિવર્તન અતિ જરૂરી છે. જો આપણે એટલું પણ ન સમજી શકીએ તો પછી આગામી સમય અંગ્રેજોની ગુલામીને પણ સારી કહેવરાવે એવો આવશે એમાં કોઈ શંકા નથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
(લોકશાહીને જીવંત રાખવા ઈચ્છતા હોવ તો આ લેખ તમારામા તાકાત હોય એટલો વધુને વધુ Share કરો 🙏)